મેહુલ ચોક્સીની ₹2,500 કરોડની સંપત્તિની હરાજી કરાશે
મેહુલ ચોક્સીની ₹2,500 કરોડની સંપત્તિની હરાજી કરાશે
Blog Article
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે જણાવ્યું હતું કે એજન્સીએ ₹13,000 કરોડના કથિત PNB લોન ફ્રોડ કેસના સંબંધમાં ફરાર ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી સામે મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે ₹2,500 કરોડથી વધુની સંપત્તિની હરાજી કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે.
મુંબઈ સ્થિત સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટના આદેશ પછી આ કાર્યવાહી થઈ રહી છે. આ આદેશને પગલે ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સના લિક્વિડેટરને સંપત્તિ સોંપવાનું ચાલુ કરાયું છે. અત્યાર સુધી રૂ.125 કરોડની સંપત્તિ હરાજી માટે લિક્વિડેટરને સોંપવામાં આવી છે. આ મિલકતોમાં પૂર્વ મુંબઈમાં સાંતાક્રુઝ ખાતે ખેની ટાવરમાં છ ફ્લેટ અને મહારાષ્ટ્રની રાજધાની શહેરમાં સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (SEEPZ) ખાતે આવેલી બે ફેક્ટરીઓ/ગોડાઉનનો સમાવેશ થાય છે.
ચોક્સી સામેના આ PMLA કેસમાં EDએ ₹2,565.90 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે અથવા જપ્ત કરી છે. કોર્ટે આ તમામ મિલકતોની હરાજી કરવાની મંજૂરી આપી છે. ઉપરોક્ત મિલકતોની હરાજી પછી, વેચાણની રકમ પંજાબ નેશનલ બેંક (PNB) અને ICICI બેંક (અસરગ્રસ્ત ધિરાણકર્તાઓ)માં ફિક્સ ડિપોઝિટ તરીકે જમા કરવામાં આવશે. ભારત છોડ્યા બાદ ચોક્સી 2018થી એન્ટિગુઆમાં રહે છે.
સરકારે મેહુલ ચોક્સીની જપ્ત કરાયેલી રૂ. 125 કરોડની સંપતિનું વેચાણ કરીને જે લોકોએ નાણાં ગુમાવ્યા હતા તેઓને પરત કર્યા હતા.ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સીએ તેના ભાણેજ નિરવ મોદી સાથે ભેગા મળીને પંજાબ નેશનલ બેંકની સાથે રૂ. 14000 કરોડનું જંગી કૌભાંડ કર્યું હતું, જેના પગલે તેઓની વિરુદ્ધમાં છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપ મૂકવામાં આવ્યા છે. ઇડી દ્વારા કોર્ટમાં મૂકવામાં આવેલી ચાર્જશીટમાં આ સંગઠિત કૌભાંડના માસ્ટર માઇન્ડ તરીકે મેહુલ ચોક્સીને દર્શાવવામાં આવ્યો છે. મેહુલ ચોક્સી અને નિરવ મોદીએ ભેગા મળીને ભારત, દુબઇ અને અમેરિકામાં રહેતાં અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને તેઓને રાતા પાણીએ રોવડાવ્યા હતા. ઇડી અને સીબીઆઇની ધોંસ વધી જતા નિરવ મોદી અને મેહુલ ચોક્સી દેશ છોડીને ભાગી ગયા હતા અને મેહુલ ચોક્સીએ 2017માં ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એન્ટિગુઆ-બાર્બાડોઝનું નાગરિકત્વ લઇ લીધું હતુ અને ત્યારથી તે પોતાની ધરપકડ ટાળતો આવ્યો છે.